અઢી વર્ષમાં ૨૭૫ માનસિક દિવ્યાંગો પોતાનાં ઘર સુધી પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી માત્ર અઢી વર્ષનાં ગાળામાં એકલા-અટુલા નિરાધાર અને કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા- પાથર્યા રહેતા ૨૭૫ માનસિક દિવ્યાંગોને સારવાર આપી, તેમનું ઘર શોધી આપી પરિવારજનો સાથે ફેર મિલન કરાવવામાં આવતાં પરિવારજનોએ અનેક ઘણી ખુશી વ્યક્ત કરી હતી.

આસામ-નાગાલેન્ડ,તામિલનાડુ,આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ સહિતનાં દરેક રાજ્યોમાં માનવજ્યોત સંસ્થાએ માનસિક દિવ્યાંગોને તેમનાં ઘર સુધી પહોંચતા કરી માનવતાનું અતિ ઉત્તમ કાર્ય કર્યું છે.

માંડવીમાંથી મળેલો એક માનસિક દિવ્યાંગ ૩૫ વર્ષ પછી ઘરે પહોંચ્યો હતો. ગાંધીધામમાંથી મળેલો એક માનસિક દિવ્યાંગ ૧૮ વર્ષ પછી ઘરે પહોંચ્યો હતો. પાંચ,દશ, પંદર, વીશ વર્ષે આવા લોકોનું પરિવારજનો સાથે મિલન થયું છે. કચ્છમાંથી ૨૭૫ જેટલા માનસિક દિવ્યાંગો ઘર સુધી પહોંચી જતાં કચ્છમાં રસ્તે રઝળતા માનસિક દિવ્યાંગોની સંખ્યામાં ઘરખમ ઘટાડો થયો છે. અબડાસા, માંડવી, ભુજ, અંજાર, નખત્રાણા, લખપત, મુન્દ્રા શહેર ગામડાઓમાં હવે માનસિક દિવ્યાંગો નજરે ચડતા નથી. તો બીજી તરફ માનસિક દિવ્યાંગો જ્યાં-ત્યાં પોતાનું આશ્રય સ્થાન બનાવી ને બેઠા હતા. ત્યાંથી પણ તેઓને ઘર સુધી પહોંચતા કરી દેવાયા છે. પરિવારજનો પણ એમની શોધ ચલાવી થાકી ચૂકયા હતા. કયાંક વર્ષો પછી પરિવારજનોએ એમની મળવાની આશા છોડી દઇ એમને મૃત સમજી એમની ધાર્મિકક્રિયાઓ પણ પૂર્ણ કરી દીધી હતી. તો અનેક ઘરોમાં તેમની તસ્વીરો ફોટા ઉપર લટકતા હાર ફરી પાછા ઉતારવામાં આવ્યા હતા.

સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદભાઇ ઠક્કર, શંભુભાઇ જાષી, રફીક બાવા તથા સર્વે કાર્યકરો માનવતાનાં આ ભગીરથ કાર્યમાં માર્ગદર્શન સાથે સેવા આપી રહ્યા છે.

માતાનામઢ, નારાયણ સરોવર, કોટેશ્વર જેવા તિર્થધામોમાં પણ સંખ્યા નહિંવત બની છે. આ કાર્યમાં શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જતનો સિંહ ફાળો રહ્યો છે.

માનસિક દિવ્યાંગોની સારવાર માટે ડો. મહેશભાઇ ટીલવાણી તથા ડો. જે.વી. પાટનકર અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનો ઉલ્લેખનીય સહકાર મળતો રહ્યો છે. જેથી આવા લોકો ઘર સુધી પહોંચ્યા છે.