ઉત્તરપ્રદેશના ગુમ યુવાનનું 20 વર્ષે પરિવાર સાથે થયું મિલન

ઉત્તરપ્રદેશનાં રાયબરેલી જીલ્લાનાં નરેન્દ્રપુર વિસ્તારનો યુવાન પ્રમોદકુમાર ઉ.વ. 28 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ઘેરથી નીકળ્યા પછી તે વિવિધ રાજ્યોનાં શહેરો-ગામોમાં સતત રખડતો ભટકતો રહ્યો હતો. ઉપર આભ… નીચે ધરતી. ક્યાંક ખાવાનું નમળ્યું… તો ક્યાંક સૂવાનું નમળ્યું. ખૂબજ મુશ્કેલીઓનો સામનો કરતો રહ્યો. પરિવાજનો તેની સતત ચિંતા સેવી રહ્યા હતા.

વર્ષોનાં વર્ષો વીતી ગયા તેમજ તડકો-વરસાદ અને મુશ્કેલી વેઠતો 20 વર્ષ પછી તે અચાનક રેલ્વે મારફતે ભુજ પહોંચ્યો હતો. રેલ્વે સ્ટેશનેથી ખાવડા રોડ પગે ચાલતો હતો, ત્યારે માનવજ્યોતનાં વાલજી કોલીને મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવ્યો. તેનાં લાંબા- વાળ-દાઢી કટીંગ કરાવી તેને સ્નાન કરાવી નવા વસ્ત્રો પહેરાવી, ત્રણ ટાઇમ ભોજન પીરસવામાં આવ્યું. ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં તેની સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો.

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોતનાં સામાજીક કાર્યકર રીતુબેન વર્માએ ઉત્તરપ્રદેશ પોલીસની મદદ લઇ તેનાં ઘર-પરિવાર શોધી કાઢતાં તેમનાં ભાઇ તિરથરામ તથા પુત્ર વિકાસ સમાચાર મળતાંજ ત્રીજા દિવસે ભુજ આવી પહોંચ્યા હતા.

પુત્ર વિકાસનાં જણાવ્યા મુજબ પિતાએ ઘર છોડ્યું ત્યારે તેની ઉંમર માત્ર 4 વર્ષની હતી. આજે તે 24 વર્ષનો થઇ ચુક્યો છે. પુત્રને કાંઇ યાદ આવતું નથી.. તેણે પિતાને પહેલી વખત જોયા. તેના ભાઇનાં જણાવ્યા મુજબ ભાઇ પ્રમોદકુમાર ઘરેથી કામે જવા નીકળ્યા હતા. અને વીસવર્ષ પહેલા ત્યાંથી ગુમ થયા હતા. પિતા-પુત્ર અને બંને ભાઇઓનું વીસ વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. દરેકની આંખોમાં અશ્રુનાં ધોધ વહ્યા હતા. આખરે તે 48 વર્ષનો થઇ પોતાના ઘર-પરિવાર સુધી પહોંચ્યો છે. વર્ષ 2023 માં પતિની ખૂબજ રાહ જોયા પછી તેની ચિંતામાં પત્ની મૃત્યુ પામી હતી.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, દીપેશ શાહ, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, રફીક બાવા,મનસુખભાઇ નાગડા, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા.