પરિવારની ગુમ વ્યક્તિને તેડવા પરિવારજનો વિમાન માર્ગે પહોંચ્યા સુખી-સંપન્ન પરિવારનાં યુવાનનું બે વર્ષે પરિવાર સાથે થયું ફેરમિલન પોતાનાં સંતાનને વિમાનમાં તેડી ગયા

પશ્ચિમ બંગાળનાં કલકત્તા વિસ્તારનો યુવાન ગણેશ લાલમોહન બાસ ફો૨ે ઉ.વ. ૨૬ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. માસી સાથે મામાનાં ઘરે જવા આ યુવાન કલકતાનાં રેલ્વે પ્લેટ ફોર્મ સુધી પહોંચ્યો હતો. માસી ટ્રેનમાં બેઠા અને ટ્રેન ઉપડી ગઇ. યુવાન બીજી ટ્રેનમાં જઇ બેઠો. અને સતત બે વર્ષ સુધી તે જુદા જુદા રાજ્યોમાં સતત રખડતો ભટકતો રહ્યો હતો. આખરે તે મોરબીનાં યદુનંદન આશ્રમે પહોંચ્યો હતો. જ્યાં સંસ્થાએ તેની સતત કાળજી સેવી હતી.

માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રિતુબેન વર્માએ તેને મોરબીથી ભુજ તેડી આવેલ. અને તેનું ઘર શોધવાનાં પ્રયત્નો શરૂ કર્યા. પશ્ચિમ બંગાળ પોલીસનો સંપર્ક કરી તેનો પરિવાર શોધી કાઢ્યો.

સુખી સંપન્ન પરિવારે અખબારો-મીડીયામાં જાહેરખબરો આપી તેને શોધવા ૩ લાખ ખર્ચી નાખ્યા. પણ પ્રયત્નો નિષ્ફળ રહ્યા. કલકતા પોલીસમાં થયેલી ગુમ નોંધનાં આધારે ત્યાંની પોલીસનો સંપર્ક કરતાં પોલીસ તેનાં પરિવાર સુધી પહોંચી હતી. પરિવારજનોએ વીડીયો કોલથી ઓળખાણ કરાવી હતી. અને વિમાન માર્ગે કલકતાથી અમદાવાદ પહોંચી ટ્રાવેલ્સ મારફતે ભુજ પહોંચ્યા હતા. યુવાન ગણેશનું પરિવારજનો સાથે મિલન થતાં દરેકની આંખોમાં હર્ષનાં આંસુ વહ્યાં હતા.

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળેથી કબ્જો લઇ અમદાવાદથી વિમાન માર્ગે કલકતા પહોંચ્યા હતા. સુખી-સંપન્ન પરિવારે ખૂબજ ખુશ થઇ માનવજ્યોતને ૧૧ હજારનું ડોનેશન પણ આપ્યું હતું.

માનવતાનાં આ કાર્યમાં મોરબીની યદુનંદન ટ્રસ્ટ આશ્રમ, માનવજયોત સંસ્થા ભુજ, સંસ્થાનાં સામાજિક કાર્યકર રિતુબેન વર્મા, પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, રાજુ જોગી, હિતેશ ગોસ્વામી, જયેશ લાલન, કલ્પનાબેન લાલન, વાલજી કોલી સહભાગી બન્યા હતા.