રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા ૩ માનસિક દિવ્યાંગોને આશ્રય સ્થાન અપાયું

કચ્છમાં વરસી રહેલા અનરાધાર વરસાદ વચ્ચે રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા ૩ માનસિક દિવ્યાંગોને પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપી તેઓની સારવાર શરૂ કરાવાઇ હતી.

કોઠારાથી-૧, નલીયાથી-૧ અને મોટા આસંબિયાથી-૧ મળી ૩ માનસિક દિવ્યાંગોને સેવાભાવીઓના સહકારથી આશ્રય મળ્યું હતું.

માનવતાનાં આ કાર્યમાં નલીયાના નીલેશમકવાણા, કોઠારાનાં કિશોરસિંહ જાડેજા, વસંત પટેલ તથા ઇસ્માઇલ કુંભાર, મોટા આસંબિયાનાં નુરમામદ મોગલ, હનીફ સમેજા સહભાગી બન્યા હતા. વરસાદમાં ભીંજાયેલા આ ત્રણેને માનવજ્યોતે શીર છત્ર આપ્યું હતું. મોટા આસંબિયામાંથી મળેલ માનસિક દિવ્યાંગનાં બંને પગ સડી ગયા હોઇ તાત્કાલિક સારવાર શરૂ કરાઇ હતી.

માનવતાનાં આ કાર્યમાં સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, જયેશ લાલન, અક્ષય મોતા, વાલજી કોલી, હિતેશ ગોસ્વામી મદદરૂપ બન્યા હતા.

વાવાઝોડા સમયે કચ્છભરમાંથી ૧૩ માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થાએ આશ્રમ સ્થળે આશ્રય આપ્યું હતું. અને તેઓની સારવાર શરૂ કરાવી હતી.