વસંતપંચમી દિને ભુજ અને ભુજ વિસ્તારનાં ગામડાઓમાં લગ્નોની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. જુદી જુદી સમાજવાડીઓ, મંદિરો, પ્લોટોમાં લગ્ન પ્રસંગે ભોજન સમારંભો યોજાયા હતા.
ભોજન સમારંભોની વધી પડેલી રસોઈ લઈ જવા માનવજ્યોત સંસ્થા ભુજને ૧૬ જેટલા ફોન આવ્યા હતા. સંસ્થાના વાસણો સાથેના વાહનો વિવિધ સમાજવાડીઓમાં પહોંચ્યા હતા. ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ એકઠી કરી ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા ગરીબોના ઘર સુધી પહોંચાડવામાં આવતાં ૪ હજારથી વધુ જરૂરતમંદ લોકો ભરપેટ જમ્યા હતા. અને વસંતપંચમીની ઉજવણી માણી હતી.
માધાપર, કુકમા, ભારાપર,કેરા, સુમરાસર તથા ભુજની વિવિધ સમાજવાડીઓમાંથી રસોઇ એકત્રિત કરાઈ હતી. ખેતરપાળ દાદા મંદિર-બેલોટ (તા. અંજાર) થી ૭૦૦ લોકોની રસોઈ માનવજ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચી હતી.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, દિપેશ ભાટિયા, અક્ષય મોતા, રાજુ જોગી, ઇરફાન લાખા, રસિક જોગી, નરેશ તાજપરીયા, વેસુભા સોઢાએ સંભાળી હતી.

