મધ્યપ્રદેશનાં ખંડવા જિલ્લાનાં મુંડી ગામનો યુવાન મનોજ કવાજી વર્મા ઉ.વ. ૩૦ બે વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. ગરીબ પરિવારનાં પોતાનાં પુત્રને તેડવા આવેલી માતાએ જણાવ્યું હતું , પરિવારજનો બકરી ચરાવવાનો ધંધો કરીએ છીએ.પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોતા બકરી વહેંચી અમારા સંતાનને તેડવા આવ્યા છીએ. ધોરણ-૪ પાસ આ ગુમ યુવાનને શોધવા માતાએ સતત બે વર્ષ સુધી પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાવી હતી.
પેરાલીગલ વોલીન્ટીયરો પ્રબોધ મુનવર તથા રફીક બાવાને ભુજનાં રેલ્વે સ્ટેશન બહારથી મળેલા આ યુવાનને માનવજ્યોત સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ડો. મહેશભાઇ ટીલવાણીએ સારવાર આપતાં તે સ્વસ્થ બન્યો હતો.
સંસ્થાનાં મેનેજર શ્રી ગુલાબભાઇ મોતાએ તેની પાસેથી મળેલી માહિતીનાં આધારે ખંડવા પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધ્યું હતું.
ખંડવાથી પોલીસ સાથે આવેલી માતાએ જણાવ્યું હતું કે, મારૂં સંતાન છે. તમારો ફોન આવતાં જ હું એને તેડવા આવી છું. એ અમારી સાથે ધંધો પણ સંભાળતો હતો. માતા-પુત્રનું મિલન થતાં બંનેની આંખોમાં આંસુ વહ્યા હતા. આખરે આ યુવાન પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. પરિવારમાં ખુશી છવાઇ છે.
માનવજ્યોત સંસ્થાએ તેડવા આવેલા પરિવારનાં ત્રણે સભ્યોને વતન સુધી પહોંચાડવા ટીકીટ ભાડા તથા નાસ્તા, જમવાની વ્યવસ્થા કરી આપી હતી.