મધ્યપ્રદેશનો ગુમ યુવાન 3 વર્ષે મળ્યો પતિ-પત્નીનું થયું મિલન

મધ્યપ્રદેશનાં નરસીંગપુર વિસ્તારનો યુવાન રામગોપાલ ઉ.વ. 35 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. આખરે તે રખડતો-ભટક્તો ગુજરાતનાં આણંદનાં માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આશ્રમે પહોંચ્યો હતો.

ત્યાંના સંચાલકો સકીલભાઇ અને સમીરભાઇ તથા સર્વે સ્ટાફે તેની સારી સારવાર કરાવી.

માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આણંદ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે ભુજ લઇ આવ્યા. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે આશ્રય આપી તેની ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં સારવાર કરાવતાં તે જલ્દી સ્વસ્થ બન્યો હતો.

આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર પરિવાર શોધી કાઢતા તેની પત્ની-ભાઇ તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા.આખરે 3 વર્ષ પછી પતિ-પત્નીનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, માવજીભાઇ આહિર, હરેશ રાજગોર, વાલજી કોલી, દિલીપ લોડાયા, પંકજ કુરૂવા સહભાગી બન્યા હતા.