ઓરિસ્સાનો ગુમ યુવાન ૨૦ વર્ષે ઘરે પહોંચ્યો વર્ષો પછી પરિવાર સાથે થયું ફેર મિલન

ઓરિસ્સા રાજ્યનાં મયુરભંજ જીલ્લાનો યુવાન ચેતન ઉ.વ. ૨૩ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાતી હતી. તે દેશનાં જુદા-જુદા રાજ્યોનાં અનેક શહેરો- ગામડાઓમાં રખડતો-ભટકતો રહ્યો હતો. છ મહિનાં પહેલાં તે કચ્છનાં રવાપર ગામ સુધી પહોંચ્યો હતો અને બસ સ્ટેશન તથા તળાવ કિનારાને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું હતું. રવાપરનાં બસ સ્ટેશન વિસ્તારને સાફ-સફાઇ દ્વારા ચકચક્તિ રાખતો.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર માનસિક દિવ્યાંગોને લઇ આવવા માતાનામઢ, નારાયણસરોવર ગયેલા ત્યારે રવાપર ગામનાં બસ સ્ટેશને જાગૃત સેવાભાવી હિન્દુ-મુસ્લિમ ભાઇઓએ ગામમાં એક માનસિક દિવ્યાંગ છે તેને આશ્રમમાં તેડી જવા જણાવ્યું. ગામમાં તેની શોધખોળ કરતાં આખરે રવાપર ગામનાં તળાવ કાંઠે એક ગાઢ ઝાડીઓ વચ્ચે સૂતેલો નજરે પડ્યો હતો. ગામલોકોનાં સહકારથી તેને ઝડી-ઝાંખરામાંથી બહાર કાઢી માનવજ્યોતનાં વાહન મારફતે માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છ મધ્યે લઇ આવવામાં આવેલ. માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં મનોચિકિત્સક ડોકટરશ્રીની સારવારથી તે ૩મહિનામાં સ્વસ્થ બન્યો હતો. આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઓરિસ્સા પોલીસનો સંપર્ક કરી તેનું ઘર-શોધી કાઢયું પણ માતા- પિતા ચેતનનાં ગયા પછી મૃત્યુ પામ્યા હતા. ચેતનનાં પરિવારમાં ભાઇ-બહેન બે જણા હતા. જેથી બેન-બનેવીને સંદેશો પહોંચાડવામાં આવ્યો. તેઓએ જણાવેલ કે અમે ચેતનની જવાબદારી સ્વીકારશું. અમારી આર્થિક પરિસ્થિત એકદમ નબળી છે. ટીકીટ ભાડા માટે પૈસા નથી. જેથી માનવજ્યોતનાં રીતુબેન વર્મા અને ટીમ ચેતન ને લઇ ઓરિસ્સા તેનાં ગામ કુંદાકાટી પહોંચ્યા હતા. રાજ્યરંગપુર રૂરલ પોલીસ સ્ટેશન મારફતે તેના બેન-બનેવીને ચેતનનો કબ્જો સોંપ્યો ત્યારે સૌની આંખો અશ્રુભીની થઇ. આખરે ચેતન ૪૩વર્ષનો થઇ પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. આખરે વીસ વર્ષ પછી તેનું પરિવાર સાથે ફેરમિલન થયું છે.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, પંકજ કુરૂવા, જયેશ લાલન, દીલીપ લોડાયા, સહભાગી બન્યા હતા.