અન્નનો એક એક દાણો બચાવો… મોંઘવારીએ માજા મૂકી છે. રાશનનાં ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધી રહ્યા છે તેમ તેમ દરેક વસ્તુઓનાં ભાવ વધી રહ્યા છે.
સેવ-મમરા, વડા-પાઉં કે ડબલ રોટીથી પણ પેટ ભરી શકાશે નહીં. દરેક વસ્તુઓનાં ભાવ વધી રહ્યા છે. મોંઘવારી કયાં જઇને અટકશે તેજ સમજાતું નથી. તેલ-ઘઉં-બાજરો-ચોખા રોજીંદા વપરાશની રાશનની વસ્તુઓનાં ભાવ ભડકે બળે છે. આવા સંજોગોમાં ગરીબ વર્ગ એક સાંધે ત્યાં તેર તૂટેનો કડવો અનુભવ કરી રહેલ છે. આવા અન્નનો એક એક દાણો બચાવીએ.
માનવજ્યોત સંસ્થા ભુજ છેલ્લા ૧૯ વર્ષથી પ્રસંગોપાત વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડે પહોંચાડે છે. ભૂખ્યાને ભોજન કરાવે છે. ગરીબોનાં જઠારાગ્નિ ઠારવાનાં પ્રયત્નો કરે છે. આ કાર્ય આગળ ધપી રહ્યું છે. માત્ર એક વર્ષમાં વધી પડેલી રસોઇ માંથી અઢી લાખ લોકો ભરપેટ જમે છે.
વધી પડેલ રસોઇ ગરીબોનાં મુખ સુધી પહોંચવી જોઇએ. સાધર્મિક બંધુને, પાડોશીને તથા શ્રમજીવીકો, ગરીબોને મદદરૂપ બનો. ભૂખ્યાને ભોજન એજ સૌથી મોટો ધર્મ છે. માનવતાનાં આ કાર્યમાં દરેકે દરેક વ્યક્તિ જોડાય અને વધી પડેલી રસોઇ જરૂરતમંદો સુધી પહોંચાડે. માનવતાનું આ કાર્ય હવે દરેકે કરવું પડશે તેવું માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે જણાવ્યું છે.

