કચ્છની આશાસ્પદ દીકરી રાજવીની પુણ્યસ્મૃતિમાં કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

કચ્છનાં ભુજ તાલુકાનાં ઝીંકડી ગામની દીકરી રાજવી મહેશભાઇ કેરાસિયા ઉ.વ. 18 નું તાજેતરમાં અવસાન થતાં ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી દીપેશ શાહે રાજવીબેનને શ્રદ્ધાંજલિ આપી હતી.

ધોરણ-12 પાસ રાજવી, પરિવાર, ઝીંકડી ગામ, સમાજ, શાળા અને કચ્છનાં ગૌરવસમાન હતી. 19માં જન્મદિનની ઉજવણીને ચાર દિવસ બાકી હતા. ત્યારે મહાશિવરાત્રી દિવસે તા. 15-2 ના અચાનક તેનું અવસાન થતાં સમગ્ર કચ્છે એક આશાસ્પદ દીકરી ગુમાવી હતી. તેની પુણ્યસ્મૃતિમાં પરિવારજનોનાં સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વ્યાયામ શાળા ગ્રાઉન્ડ મધ્યે આવેલ શ્રી પાતાળેશ્ર્વર મહાદેવ મંદિર સ્થળેથી ઉનાળાની કાળઝાર ગર્મીમાં પક્ષીઓને પીવા પાણી મળે,
ચકલીઓને રહેવા ઘર મળે તેવું જીવદયાનું શ્રેષ્ઠ કાર્ય કરાયું હતું. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને નિઃશુલ્ક કુંડા-ચકલીઘર અર્પણ કરાયા હતા.

કચ્છ જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા પારુલબેન કારા, નગરસેવીકા રસીલાબેન પંડ્યા, નયનાબેન ગોસ્વામી સહિતનાં મહિલા આગેવાનો ઉપસ્થિત રહી સ્વર્ગસ્થને ભાવાંજલિ અર્પણ કરી હતી.