માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ પશુ-પક્ષીઓ માટે પાણી પીવાની વ્યવસ્થાઓ ઠેર-ઠેર ગોઠવવામાં આવી છે. માટીનાં કુંડા અને ચકલીઘર લગાડવાનો પ્રારંભ માતાનામઢ, નારાયણસરોવર, કોટેશ્વરથી કરવામાં આવેલ.
કચ્છનાં અનેકવિધ મંદિરો, શાળા-કોલેજો,હાઈસ્કુલો, પ્રાથમિક શાળા, કન્યાશાળા, સરકારી કચેરીઓમાં સંસ્થા દ્વારા કુંડાઓ લટકાવી તરસ્યા પક્ષીઓ માટે પાણી પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
પક્ષીઓ માટે પાણી પીવાનાં કુંડા, શ્વાનો માટે સિમેન્ટની નાની ચાડીઓ, ગાય માતાઓ માટે સિમેન્ટની મોટી ટાંકીઓ ઠેર-ઠેર ગોઠવવામાં આવી છે. દાતાશ્રીઓનાં અને જીવદયા પ્રેમીઓનાં સાથ-સહકાર-સહયોગથી જીવદયાનું આ કાર્ય આગળ ધપી રહ્યું છે. અને માનવજ્યોતનાં માટીનાં કુંડા કચ્છનાં ગામડાઓ અને શહેરોમાં ઠેર-ઠેર લટકતા નજરે જોવા મળે છે. લોકો સામે ચાલીને આ કાર્યમાં જોડાતા જાય છે. મંદિર ટ્રસ્ટો, યુવક મંડળો, મહિલા મંડળો, નગરો, સોસાયટીઓ, આ કાર્યને વેગ આપી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા પક્ષીઓ, અબોલા પશુઓ અને અનેક જીવોને પીવાનું પાણી મળે છે ત્યારે પુન્યનું ભાથું બંધાય છે.
૧૭ વર્ષ પહેલા માનવજ્યોત દ્વારા શરૂ કરવામાં આવેલ આ પ્રવૃત્તિમાં આજે અનેકવિધ સંસ્થાઓ જોડાઈ છે અને જીવદયાનું કાર્ય ગુજરાતભરમાં પહોંચી રહ્યું છે. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, રફીકબાવા, કનૈયાલાલ અબોટી,પ્રવિણ ભદ્રા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની,દિપેશ શાહ, મુળજીભાઈ ઠક્કર તથા દરેક કાર્યકરો જીવદયાનાં આ કાર્યને આગળ ધપાવી રહ્યા છે.

