કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડયા પાથર્યા રહેતા પરપ્રાંતિય માનસિક દિવ્યાંગોની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. માતાનામઢ, નારાયણસરોવર, કોટેશ્વર, નખત્રાણા, માંડવી, અબડાસા, લખપત, ભુજ જેવા શહેરો અને તીર્થધામોમાં રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગોની સંખ્યા નહીંવત થઈ છે. અગાઉ તીર્થ ધામોમાં પણ આવા માનસિક દિવ્યાંગો મોટી સંખ્યામાં જોવા મળતા. જે હવે જોવા પણ મળતા નથી. ભુજમાં જેમનાં સગા-સંબંધીઓ છે તેવા ૩ માનસિક દિવ્યાંગો જોવા મળે છે.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ૩ વર્ષ પહેલાં પાલારા નજીક શ્રી રામદેવ સેવાશ્રમનું નિર્માણ થયું. આ સ્થળેથી કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડયા પાથર્યા રહેતા ૪૦૦ પરપ્રાંતિય માનસિક દિવ્યાંગોને કચ્છનાં જુદા-જુદા શહેરો ગામડાઓ અને તિર્થસ્થળો નજીકથી શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ સ્થળે લઈ આવી, તેમની ભોજન,સૂવાની વ્યવસ્થા તેમજ બાલકટીંગ, સ્નાન, નવા વસ્ત્રો જેવી વ્યવસ્થાઓ કરી ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલનાં સહકારથી સારવાર આપી, સ્વસ્થ બનાવી, તેમનું રાજ્ય, શહેર, ગામ શોધી આપી ઘર સુધી પહોંચતા કરી પાંચ,દશ, પંદર,વીશ, પચ્ચીસ, ત્રીસ વર્ષ પછી પરિવારજનો સાથે ફેર મિલન કરાવાયું છે. માત્ર ૩ વર્ષમાં ૪૦૦ માનસિક દિવ્યાંગોને કચ્છમાંથી અન્ય રાજ્યોમાં પોતાનાં ઘર સુધી પહોંચતા કરી દેવાયા છે. જેથી કચ્છમાં પરપ્રાંતિય માનસિક દિવ્યાંગોની સંખ્યામાં ઘટાડો થયો છે. માનવજ્યોત સંસ્થાએ ૧૭ વર્ષમાં ૯૭પ માનસિક દિવ્યાંગોને કચ્છમાંથી તેમના અન્ય રાજ્યોમાં આવેલ ઘર સુધી પહોંચતા કરી દીધા છે. પશ્ચિમ કચ્છમાં આવા માનસિક દિવ્યાંગોની સંખ્યા નહિવત બની છે. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઈ માહેશ્વરી, સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઈ જોષી, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, મુરજીભાઈ ઠક્કર, અરવિંદ ઠક્કર, જેરામસુતાર જેવા કાર્યકરોની ટીમ સતત સેવાઓ આપતી રહી છે.

