પાટણ જીલ્લાનો ૩ મહિનાંથી ગુમયુવાન ભુજમાંથી મળી આવ્યો

પાટણ જીલ્લાનાં હારીજ તાલુકાનાં રોડા ગામનો ૩૦ વર્ષીય યુવાન કરશન છેલ્લા ૩ માસથી ગુમહતો. પરિવારજનો તેને શોધી રહ્યા હતા. તે ૩ મહિના સુધી ગુજરાતનાં જુદા-જુદા શહેરો-ગામોમાં રખડતો-ભટકતો રહ્યો હતો.

આખરે તે કોઇક અજાણ્યા વાહન મારફતે ભુજ પહોંચ્યો હતો. પોલીસ ૩૬ કવાટર બહારથી એચ.એચ. ચોધરીને મળી આવતાં તેમણે તેને માનવજ્યોત કાર્યાલય સુધી પહોંચાડ્યો હતો. માનવજ્યોત સંસ્થાએ તેને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ મધ્યે જમવા – સૂવાની વ્યવસ્થા કરી આપી હતી. એચ.એચ. ચોધરી અને માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરનાં પ્રયત્નોથી એની પાસેથી મળેલ માહિતીનાં આધારે પાટણ જીલ્લાનાં હારીજ તાલુકામાં તેનું ગામરોડા શોધી કઢાયું. પરિવારજનોને તેની માહિતી મળતાં જ તેઓ ભુજ આવવા નીકળી પડ્યા હતા. ભુજ આવી માનવજ્યોત સંસ્થામાંથી પરિવારની ગુમવ્યક્તિ કરશનભાઇનો કબ્જો મેળવી ખૂબ જ ખુશી અનુભવી હતી. ભાઇ હવાજી ઠાકોર તથા બનેવી બકાજીને જોઇ કરસનની આંખો ભિંજાઇ ગઇ હતી. આમ ૩ મહિને યુવાન ઘરે પહોંચતા પરિવારમાં ખુશી છવાઇ હતી.

માનવતાનાં આ કાર્યમાં પંકજ કુરવા, આનંદ રાયસોની તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો.