પ્રવૃત્તિઓ, સમાચાર / ઘટનાઓ
શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ સ્થળેથી ૪ વર્ષમાં ૪૦૫ માનસિક દિવ્યાંગો પોતાનાં ઘર સુધી પહોંચ્યા… પરિવારજનોમાં ખુશી છવાઇ
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ સ્થળેથી ૪ વર્ષમાં ૪૭૫ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની પોતાનાં વતન સુધી પહોંચ્યા છે. પરિવારજનો સાથે ફેર મિલન થયું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ-કચ્છના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિ સમગ્ર કચ્છમાં ચાલી રહી છે.
કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે આશ્રય આપી મનોચિકિત્સક ડોકટર શ્રી જે.વી.પાટનકર પાસેથી સારવાર કરાવાય છે. તેઓ સ્વસ્થ બનતાં તેમનાં પાસેથી મળતી માહિતીનાં આધારે જુદા-જુદા રાજ્યોની પોલીસનો સંપર્ક કરી તેઓનું ઘર શોધી કાઢવામાં આવે છે.
આશ્રમસ્થળે જ્યાં સુધી હોય છે, ત્યાં સુધી એને યોગા, રમત-ગમત જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. આશ્રમનાં માનસિક દિવ્યાંગો સાથે મળી ક્રિકેટ રમે છે. કેરમરમે છે. ટીવીનાં ધાર્મિક-સત્સંગનાં કાર્યક્રમો નિહાળે છે. કેટલાક માનસિક દિવ્યાંગો માઇક હાથમાં લઇ ગીત સંગીતની રમઝટ જમાવે છે. અહીં તેમની ભોજનની પણ સુંદર વ્યવસ્થા છે.
માનસિક દિવ્યાંગો વર્ષો પછી પોતાનાં રાજ્ય,ગામ, ઘર સુધી પહોંચે છે. પરિવારજનો સાથે તેમનું ફેર મિલન થાય છે. કચ્છમાં રસ્તે, રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને આખરે તેમનાં ઘર સુધી પહોંચાડવાનું ઉમદાકાર્ય ભુજની માનવજ્યોત સંસ્થા વર્ષોથી કરે છે. ૧૮ વર્ષમાં સંસ્થાએ ૧૧૬૮ આવા લોકોને ઘર સુધી પહોંચાડી દીધેલ છે. આશ્રમનિર્માણને ૪ વર્ષ પૂરા થયા છે. ૪ વર્ષમાં ૪૭૫ માનસિક દિવ્યાંગો ઘર સુધી પહોંચ્યા છે. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, રફીક બાવા, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, મુરજીભાઇ ઠક્કર, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રવિણ ભદ્રા તથા સમગ્ર કાર્યકરોની ટીમસેવાઓ આપી રહી છે.

