ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડે પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે.

પ્રસંગોપાત જુદી-જુદી સમાજવાડીઓમાં વધી પડેલી રસોઇ માનવજ્યોત સંસ્થા ભુજને આપી દેવામાં આવે છે. સંસ્થા આ રસોઇ જરૂરતમંદ લોકો સુધી પહોંચાડે છે. જેથી અનાજનો બગાડ થતો અટકે છે અને ગરીબોનાં પેટનો ખાડો પૂરાય છે.

ભોજન સમારંભોની વધી પડેલી રસોઇમાંથી દર વર્ષે અઢી લાખ લોકોનો પેટનો ખાડો પૂરાય છે. કોરોના કાળ દરમ્યાન શુભ પ્રસંગોની ઉજવણી મુલત્વી અથવા સાદાઇથી થઇ. છતાં માનવજ્યોતે ભૂખ્યાને ભોજન પ્રવૃત્તિ શરૂ કરી કોરોના કાળ દરમ્યાન બે લાખ જરૂરતમંદ લોકોને ભરપેટ જમાડ્યા.

માનવજ્યોતની આ પ્રવૃત્તિમાં ભુજ અને ભુજ આસપાસની દરેક સમાજવાડીઓ, રસોયાઓ, કેટરર્સ ચલાવનારાઓ તથા આયોજકો સહકાર આપી રહ્યા છે. તેવું સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીએ જણાવ્યું હતું.