દીક્ષાર્થી અજેશભાઇનો કોઠારા-સાંધવમાં વરસીદાનનો વરઘોડો વાજતે-ગાજતે નીકળ્યો

દીક્ષાર્થી અજેશભાઇ પ્રબોધ મુનવર તા. ૨૯-૧૧ નાં ભુજ મધ્યે જૈનધર્મ દીક્ષા અંગીકાર કરી સંયમમાર્ગ અપનાવશે. એમબીએ માસ્ટર ડીગ્રી અભ્યાસ કરેલા ૩૧ વર્ષિય આ યુવાનનાં જીવનમાં એક જૈન ધર્મનાં પુસ્તક પરિવર્તનનો ભાગ ભજવ્યો. છેલ્લા બે-ત્રણ વર્ષથી જૈન ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કરી જૈનધર્મનો જ્ઞાન મેળવ્યો. અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગર સૂરીશ્વરજી મ.સા. નાં સાનિધ્યમાં તેમનાં આશિર્વાદ પ્રાપ્ત કર્યા. અને એક-એક ડગ સંસારમાંથી સંયમમાર્ગ તરફ જવા માંડ્યો. અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી કલાપ્રભસાગર સૂરીશ્વરજી મ.સા. પાસેથી દીક્ષા માટેનો મુર્હત મેળવ્યો. તા. ૨૯-૧૧ નાં ભુજ મધ્યે પ.પૂ.આ.ભ. શ્રી કવીન્દ્રસાગર સૂરીશ્વરજી મ.સા. નાં વરદ્ હસ્તે દીક્ષા અંગીકાર કરશે. ભુજ મધ્યે શ્રી વંદનકુમાર અને અજેશભાઇનો દીક્ષા મહોત્સવ ભુજ અચલગચ્છ જૈન સંઘનાં પ્રાંગણે શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક અચલગચ્છ જૈન સંઘ ભુજ તથા શ્રી આર્ય ગુણોદય તીર્થ જૈન ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલ છે. બંને મુમુક્ષપૂ. મુનિભગવંત શ્રી ભાગ્યોદય સાગરજી મ.સા. નાં ચરણોમાં શ્રદ્ધા અને વિશ્વાસથી સંયમજીવન અર્પણ કરશે.

મુમુક્ષુ અજેશભાઇનો કોઠારા-સાંધવમાં વરસીદાનનો વરઘોડો વાજતે-ગાજતે નીકળ્યો હતો. કોઠારા ગામે અબડાસા- ક.દ.ઓ. જૈન જ્ઞાતિ મહાજનશ્રીઓ, આમંત્રિતો, કોઠારા જૈન સમાજ તથા ગામવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

શ્રી ક.દ.ઓ. જૈન જ્ઞાતિ મહાજનશ્રી કોઠારા તથા માતુશ્રી કસ્તુરબાઇ હીરાચંદ મુનવર પરિવાર દ્વારા કોઠારા ગામે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન ૫.પૂ.સાધ્વી શ્રી હંસમાલાશ્રીજી મ.સા. તથા પૂ.સા. શ્રી જિનશ્રદ્ધાશ્રીજી મ.સા. ની પાવનકારી નિશ્રામાં કરાયું હતું. સમગ્ર કાર્યક્રમોનું સંચાલન તોરલબેન શાહનંદ તથા દિનેશભાઇ અજાણીએ કર્યું હતું. કોઠારા જૈન મહાજન શ્રી દ્વારા દીક્ષાર્થી તથા તેમનાં માતા-પિતાનું બહુમાન કરવામાં આવેલ. સર્વે કાર્યકર ભાઇ-બહેનોએ મહોત્સવને સફળ બનાવેલ.

સાંધવ ગામે પૂ. સાધ્વી કનકગુણાશ્રીજી મ.સા.ની નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાતા હતા. દીક્ષાર્થીનાં વરસીદાનનાં વરઘોડામાં જૈન સમાજ, ગામવાસીઓ આમંત્રિતો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ક.દ.ઓ. જૈન મહાજન-સાંધવ તથા શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઇ દ્વારા દીક્ષાર્થી તથા માતા-પિતાનું બહુમાન કરવામાં આવેલ. જયેશ જૈન, ગોવિંદજી પટેલ, કિરણ દંડ, શામજીભાઇ દંડ તથા સર્વે કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન વિપુલ પટેલે કરેલ.અબડાસા માંડવી તાલુકાનાં જૈન જિનાલયો વાળા ગામોમાં જઇ દીક્ષાર્થી અજેશકુમારે પરમાત્માનાં દર્શન કરી ગુરૂભગવંતોને વંદન કર્યા હતા. દરેક શ્રી સંઘો દ્વારા તેઓનું બહુમાન કરવામાં આવેલ.