ચેન્નઇ (મદ્રાસ) ની ગુમ ૭૦ વર્ષિય માનસિક દિવ્યાંગ મહિલાનું ૩ વર્ષ પછી પરિવારજનો સાથે મિલન થયું હતું. ગુમ મહિલા અંગે પરિવારજનોએ લાંબા સમયથી સતત ચિંતા સેવી હતી. જુદા-જુદા રાજ્યોમાંથી થઇ રેલ્વે મારફતે આ મહિલા ભુજ પહોંચી હતી. અને પગે ચાલીને મોટા પીર ચોકડી પાસે પહોંચી હતી. ત્યાંથી અમીનભાઇ મોગલ અને જુસબભાઇ વિડાણીએ માનવજ્યોતનાં રફીક બાવાને તથા ભુજ કન્ટ્રોલ રૂમને આ રખડતી-ભટકતી યુવતી અંગે જાણ કરી હતી.
ભુજ કન્ટ્રોલ રૂમનાં સહકારથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આ મહિલાને પહોચાડવામાં આવેલ. સંસ્થા દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવેલ. ભુજ માનસિક આરોગ્ય હોસ્પીટલનાં મનોચિકિત્સક ડોકટરશ્રીઓની સારવારથી ઝડપભેર સ્વસ્થ બની હતી.
તેની પાસેથી મળેલ માહિતીનાં આધારે આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તામિલનાડુ પોલીસનો સંપર્ક કરી ચેન્નઇ જીલ્લામાં તેનું પરિવાર શોધી કાઢ્યું હતું. સમાચાર મળતાં જ પરિવારજનો ટ્રેન મારફતે ભુજ આવી વહાલસોયી દિકરીનો કબ્જો મેળવી સંસ્થાનો આભાર માન્યો હતો.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો

