૩ વર્ષ પહેલાં ગુમ થયેલો ભુજનો યુવાન ઉત્તરપ્રદેશમાંથી મળ્યો

ભૂજનો યુવાન રાહુલ રાકેશ રાજપૂત (ઠાકુર) ઉ.વ. ૧૮, ત્રણ વર્ષ પહેલાં ગુમ થયો હતો. તે બરેલી ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ પહોંચ્યો હતો. પિતા રાકેશે તેની સતત શોધ ચલાવી હતી. ઉત્તરપ્રદેશનાં અલ્લાહબાદ તથા અન્ય શહેરો-ગામોમાં દિવસ-રાત પસાર કરનાર રાહુલે અનેક ઘણી મુશ્કેલીઓ વેઠી હતી. કયાંક સૂવા નમળ્યું. તો ક્યાંક ખાવાનું નમળ્યું, કયારેક દિવસમાં માત્ર ‘‘ચા’’ મળી. આવી રીતે તેણે ૩ વર્ષ પસાર કર્યા. કોઇ તેને સાંભળતા કે મદદ કરવા તૈયાર નહતું. તેની ઉંમર ૨૧ વર્ષની થઇ ગઇ. આખરે એની મુશ્કેલીઓનો અંત આવ્યો. ઉત્તરપ્રદેશનાં ફિરોઝાબાદનાં મંગલાખંગર પોલીસ સ્ટેશનનાં પોલીસ અધિકારી રાહુલની મદદે આવ્યા. રાહુલને પૂછ્યું તું કયાંનો છો… ભુજમાં તને કોણ ઓળખે છે… રાહુલે જવાબ આપ્યો હું ભુજનો છું અને માનવજ્યોત સંસ્થા ભુજનું નામ જાણું છું. ત્યાંના પોલીસ અધિકારીશ્રીએ ભુજ પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ અધિકારીનો સંપર્ક કરતાં જીલ્લા પોલીસ તંત્રે ભુજની માનવજ્યોતનો સંપર્ક કર્યો હતો.

રાહુલની માહિતી માનવજ્યોત સંસ્થા ભુજ પાસેથી મેળવી તેનાં પિતા રાકેશનો ભુજમાં સંપર્ક કરી પિતા રાકેશને ફિરોઝાબાદ મોકલ્યો. જ્યાં પિતાએ ૩ વર્ષ બાદ પુત્ર રાહુલનો કબ્જો મેળવતાં પિતા-પુત્રની આંખો અશ્રુભીની બની હતી. આખરે રાહુલ ૩ વર્ષ પછી ૨૧ વર્ષનો થઇને ભુજ પહોંચતા પરિવારમાં ખુશી છવાઇ છે. કચ્છ જીલ્લાનાં પોલીસ તંત્ર તથા માનવજ્યોત સંસ્થાનો પરિવારે આભાર માન્યો હતો.