રેલ્વે મારફતે પોતાનાં બે માસુમ બાળકો સાથે ભુજ પહોંચેલી યુવાન મહિલાએ પોતાનાં બંને બાળકોને ઢોર માર માર્યો

ભુજનાં રેલ્વે સ્ટેશને ટ્રેન મારફતે એક યુવાન મહિલા પોતાનાં ૩  અને ૪  વર્ષનાં બાળક-બાળકી સાથે ભુજ રેલ્વે સ્ટેશને ઉતરી હતી. અને રેલ્વે સ્ટેશન બહારે નીકળતાંજ હંગામો મચાવ્યો હતો. લોકોના ટોળા એકઠા થઇ ગયેલ.

પોતાનાં ૩ વર્ષનાં બાળક અને ૪ વર્ષની બાળકીને ઢોર માર માર્યો હતો. બે પગ પકડી તેમને ગોળ ફરાવી ભીંતમાં ભટકાવેલ. આ દ્રશ્ય અને માતાની ક્રુરતા જોઇ ત્યાં ઉભેલા જાગૃત નાગરિકો રમઝાન સુમરા, ઇબ્રાહીમ માંજોઠી, તોસિફ સમા, શાહીલ જુણેજા, સુલતાન સુમરા માનવજ્યોત કાર્યાલયે પહોંચી સંસ્થાનાં પ્રબોધ મુનવરને જણાવ્યું હતું કે, રેલ્વે સ્ટેશન બહાર એક અજાણી મહિલાએ ભારે ધમાલ મચાવી છે. અને પોતાનાં જ બાળકોને માર મારી રહી છે. બાળકોને મારી નાખશે.

માનવજ્યોતનું વાહન રેલ્વે સ્ટેશન બહાર પહોંચી બંને બાળકોને માતા પાસેથી છોડાવ્યા હતા. મહિલાએ મગજ ઉપરથી કાબૂ ગુમાવતાં પોતાનાં બંને બાળકોને મોઢા ઉપર અને શરીરે નુકશાન પહોંચાડ્યું હતું. બંને બાળકોને મારમારી લોહી લુહાણ કર્યા હતા. માતાનાં માર નો ભોગ બનેલા બંને બાળકો માતા પાસે જતાં થર-થરી રહ્યા હતા.

ચાઇલ્ડ વેલ્ફર કમીટી, બાળસુરક્ષા, મહિલા કલ્યાણ કેન્દ્ર ભુજની ઝડપી કાર્યવાહીથી બાળકોને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર મધ્યે જયારે મહિલાને માનસિક આરોગ્યની હોસ્પીટલે પહોંચાડવામાં આવેલ. ત્રણેની સાર-સંભાળ સાથે સારવાર કરાઇ હતી.

માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મહિલાનાં થેલામાંથી મળેલ આધારકાર્ડનાં આધારે ઉત્તરપ્રદેશના ફીરોઝાબાદ પોલીસનો સંપર્ક કરી તેનાં પતિનું એડ્રેસ મેળવી તેને સમગ્ર ઘટનાથી વાકેફ કરતાં તેનો પતિ, પોતાની પત્ની, બાળકો તેડવા ભુજ આવી પહોંચ્યો હતો. તેનાં જણાવ્યા મુજબ છેલ્લા ૪  મહિનાથી પત્ની માનસિક બિમારીથી નો ભોગ બનતાં તેણે અચાનક ઘર-પરિવાર છોડ્યા હતા. અને ગુમ થઇ ગઇ હતી. પરિવારજનો તેને શોધી રહ્યા છે. ૪ મહિનાથી બાળકો તેની સાથે રઝળી રહ્યા છે.      

પિતા તેડવા ભુજ પહોંચતાં જ બંને બાળકોએ હાસકારો અનુભવ્યો હતો. પતિએ પત્ની તથા બંને બાળકોનો કબ્જો લઇ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું  કે, પોતાની પત્નીની સારી સારવાર કરાવશે. અને બાળકોની સાર-સંભાળ રાખશે.