મધ્યપ્રદેશનાં સાગર જીલ્લાનાં શાહગઢ વિસ્તારનો કમલકિશોર યાદવ ઉ.વ. ૩૧ અચાનક ગુમ થતાં પરિવારજનોએ
તેની સતત શોધ ચલાવી હતી. તે અન્ય રાજ્યોમાં સતત રખડતો ભટકતો રહ્યો હતો. પરિવારજનોએ ભારે મુશ્કેલી વેઠી નિરાશ થયા હતા.
ચાર વર્ષ પછી તે તા. ૨૨-૧૨-૨૦૨૨ નાં કચ્છનાં દેશલપર કંઠી ગામથી નરેન્દ્રસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજાને મળી આવતાં તેમણે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચાડ્યો હતો. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રાખી ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલનાં ડોકટરશ્રીઓની સારવારથી તે જલ્દી સ્વસ્થ બન્યો હતો.
આશ્રમના સામાજીક કાર્યકર રીતુબેન વમાએ મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી આખરે તેનું ઘર શોધી કાઢ્યું હતું.
સમાચાર મળતાં જ પરિવારજનો તેને તેડવા ભુજ સુધી આવી પહોંચ્યા હતા.
તેમણાં જણાવ્યા મુજબ સાધારણ માનસિક સમતુલા ગુમાવતાં તેણે ૪ વર્ષ પહેલાં ઘર છોડ્યું ત્યારથી અમો તેને શોધી રહ્યા છીએ. આખરે આજે ૩૫ વર્ષનો થઇ તે ઘર સુધી પહોંચ્યો છે. પરિવારમાં ખુશી છવાઇ છે.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, જયેશ લોડાયા, દિપેશ ભાટીયા સહભાગી બન્યા હતા.

