ઝારખંડનો યુવાન દોઢ વર્ષે ઘરે પહોંચ્યો ભાઇએ ભુજ આવી ભાઇનો કબ્જો લીધો

ઝારખંડના અમરાપરા વિસ્તારનાં પાપુર ગામનો ૩૬ વર્ષિય યુવાન કરામત અલી અબ્દુલમજીદ મિંયા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. સુખી-સંપન્ન પરિવારે તેને શોધવા રાત-દિવસ એક કર્યા હતા. જ્યાંથી ખબર મળે તે રાજ્ય-શહેરમાં પહોંચી જઇ પરિવારજનો તેની સતત શોધ ચલાવતા રહ્યા.

આખરે તે રેલ્વે માર્ગે ભુજ પહોંચ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને તે ભુજ રેલ્વે સ્ટેશન બહારથી મળી આવ્યો હતો. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી ભુજની માનસિક આરોગ્યનાં મનોચિકિત્સક ડોકટ૨શ્રીઓ પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો.

આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઝારખંડ પોલીસનો સંપર્ક કરી તેના પરિવારજનોને શોધી કાઢ્યા. ઝારખંડનાં પત્રકાર અને મીડાયાનાં મિત્રોએ પણ ખૂબ જ જહેમત ઉઠાવી.

ઝારંખડ તેના ઘર સુધી સમાચાર મળતાં જ તેનાં મોટા ભાઇ યાક્તઅલી ભુજ આવી પહોંચ્યા હતા. માનવજ્યોત સંસ્થા ભુજ મધ્યે બંને ભાઇઓ એક બીજાને ભેટી પડતાં દરેકની આંખો અશ્રુભીની બની હતી. તેના ભાઇનાં જણાવ્યા મુજબ કરામતઅલી ટેઇલર માસ્ટર હોતાં ટેઇલરની દુકાન ચલાવતો હતો. અચાનક માનસિક સ્થિતિ બગડતાં તેણે ઘર છોડ્યું હતું. તેને એક દીકરી બે દીકરા છે. જે પિતા ઘરે આવશે તેવી રાહ જોઇ બેઠા છે. દોઢ વર્ષ પછી તે હેમ-ખેમ મળી આવતા સમગ્ર પરિવારે ખુશી અનુભવી હતી અને માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો. પ્રબોધ મુનવર, અકીલભાઇ મેમણ, રફીક બાવાએ ઘરે જઇ રહેલા યુવાનને હારતોરા કરી શુભેચ્છાઓ પાઠવી હતી.