૧૫ વર્ષથી વિખુટી પડેલી પરિવારની મહિલાનું તેના પતિ-પુત્રો સાથે મિલન થતાં ભાવવિભોર દૃશ્યો સર્જાયા

મધ્યપ્રદેશનાં મંદસૌર જિલ્લાનાં ભાનપુરા તાલુકાનાં સમેલી ગામની ૪૭ વર્ષિય મહિલા લીલાબેન પૂરીલાલ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. બે-પુત્ર, બે પુત્રીઓ ધરાવતી આ મહિલાએ ગૃહ કંકાસના કારણે ઘર છોડ્યું હતું. અને સાધારણ માનસિક બિમારીનો ભોગ બની હતી અને અચાનક ટ્રેનમાં બેસી ગઇ હતી. અને પંદર વર્ષ સુધી તે જુદા-જુદા રાજ્યોમાં રખડતી-ભટકતી રહી હતી. આ દરમ્યાન તેને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કયાંક ખાવા તો કયાંક સૂવા પણ ન મળ્યું. અનેક વખત એકલી અટુલી તે ટ્રેન કે અન્ય વાહનો મારફતે એકથી બીજા રાજ્ય સુધી પહોંચી હતી.

બે મહિનાં પહેલાં તે ટ્રેન મારફતે અચાનક ભુજ આવી પહોંચી હતી. ભુજ રેલ્વે સ્ટેશન બહારથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીટીયર પ્રબોધ મુનવર તથા માનવજ્યોતનાં રફીક બાવાને આ મહિલા મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવી ડો. જે.વી. પાટનકર પાસેથી તેની સારવાર શરૂ કરાવતાં માત્ર ૧૫ દિવસમાં તે સ્વસ્થ બની હતી. સંસ્થાનાં સામાજિક કાર્યકર હર્ષાબેન રત્નોતર કાઉન્સલીંગ કરી મધ્યપ્રદેશમાં તેનું ઘર શોધી કાઢતાં તેના પતિ તથા બંને પુત્રો ત્રીજા દિવસે ભુજ આવી પહોંચ્યા હતા. ૧૫ વર્ષથી વિખુટી પડેલી પરિવારની મહિલાનું તેના પતિ-પુત્રો સાથે મિલન થતાં ભાવવિભોર દેશ્યો સર્જાયા હતા.

પરિવારજનો એ માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો. આખરે ૧૫ વર્ષ પછી મહિલા પોતાનાં ઘર સુધી પહોંચી છે. પરિવારજનોમાં આનંદ છવાયો છે.

માનવતાનાં આ કાર્યમાં આનંદ રાયસોની, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, પંકજ કુરૂવા, જયેશ લાલન, દિપેશ ભાટિયા, ઇરફાન લાખા, રાજુ જોગી તથા કાર્યકરોએ સહકાર આપ્યો હતો.