આસ્થા સ્કુલ મધ્યે ચકલીઘર દરેક ઘરે રાખવા સમજ અપાઇ

ભુજ આસ્થા સ્કુલ મધ્યે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કુંડા-ચકલીઘર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. શાળાનાં ટ્રસ્ટી શ્રી રેહાન મેમણ તથા શાળાનાં આચાર્યા અફસાના રેહાન મેમણે સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે શાળાનાં બાળકો અને વાલીગણને ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલા જીવો માટે પીવાનાં પાણીની વ્યવસ્થા રૂપે માટીનાં કુંડા તથા ચકલીઓ માટે રૂપકડું ચકલીઘર દરેક ઘરે રાખવા સમજ પૂરી પાડી હતી. તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે ચકલીઓને રહેવા ઘર મળે તેવું કાર્ય કરવા જણાવ્યું હતું.

શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માનવજ્યોતની કચ્છમાં ૪૯ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સંસ્થાએ દરેકને સાથે રાખી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી છે.

સ્કુલનાં બાળકો-વાલીઓને કુંડા-ચકલીઘર-કાપડથેલી-જીવદયા સ્ટીકરોનું નિઃશુલ્ક વિતરણ શાળા પરિવારનાં વરદ્ હસ્તે કરવામાં આવેલ. વ્યવસ્થામાં આસ્થા સ્કુલ પરિવારે સહયોગ આપ્યો હતો.