મધ્યપ્રદેશનાં જલદર જલ્લાનાં બાંધી ગામનો યુવાન રાજમાડી ચંદ્રેશ પટેલ ઉ.વ. ૨૮ દોઢ વર્ષ પહેલાં ગુમ થયો હતો. પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પણ તેનો અતો-પતો નમળતાં પરિવાર નિરાશ સાથે ખૂબ જ દુ:ખી થયો હતો. અનેક રાજ્યોનાં શહેરોમાં તે સતત રખડતો-ભટકતો રહ્યો હતો. અને આખરે તે ભુજ પહોંચી પગે ચાલી નખત્રાણા સુધી પહોંચ્યો હતો.
નખત્રાણાનાં હરેશભાઇ વાઘેલા તથા કાન્તીભાઇ પટેલને મળી આવતાં તેમણે તેને જમવાની વ્યવસ્થા કરી આપી. તેની સારી સેવા કરી. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે નખત્રાણાથી આ માનસિક દિવ્યાંગને ભુજ લઇ આવેલ.
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલેથી તેને સારવાર મળતાં તે જલ્દી સ્વસ્થ બન્યો હતો.
આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વમાએ મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી પોલીસની મદદ લઇ તેનું ઘર શોધી કાઢ્યું હતું. તેનો ભાઇ ચંદ્રમાડી તેને લેવા ભુજ આવી પહોંચ્યો હતો. આમ દોઢ વર્ષ પછી બંને ભાઈઓનું મિલન થતાં બંનેની આંખો અશ્રુભીની બની હતી.
માનવતાનાં આ કાર્યમાં આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, મધુભાઇ ત્રિપાઠી સહભાગી બન્યા હતા.

