નેપાળનો ગુમ યુવાન ૩ વર્ષ પછી ભુજમાંથી મળ્યો મોતનાં મુખમાંથી સંસ્થાએ તેને બચાવ્યો

નેપાળનો યુવાન જનક ઉ.વ. ૨૦ નેપાળથી ગુમ થયો હતો. તે બાયલબાસનાં ભક્તિપુર નેપાળનો વતની હતો. છેલ્લા ૩ વર્ષથી તે ભારતનાં જુદા-જુદા રાજ્યોનાં શહેરો-ગામોમાં રખડતો-ભટકતો રહ્યો હતો. રેલ્વે મારફતે ભુજ આવી પહોંચ્યો હતો.

૩ વર્ષ પછી તે ભુજ પહોંચ્યો ત્યારે આ યુવાનમાં ચાલવાની શક્તિ નહોતી. તે ઉભો થવા જાય અને પડી જાય. માનવજ્યોત સંસ્થાએ તેની ગંભીર હાલત ધ્યાને લઇ ભુજની જનરલ હોસ્પીટલે પહોંચાડ્યો. જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી. તેની હાલત અત્યંત ગંભીર અને ભયજનક બનતાં છેલ્લે તેને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યો. કિસ્મતનાં સથવારે તે બચી જવા પામ્યો.

તેને જનરલ હોસ્પીટલમાંથી ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં એડમીટ સંસ્થા દ્વારા કરાવવામાં આવેલ. આખરે તે સ્વસ્થ બન્યો. આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ યુવાન પાસેથી મળેલ માહિતીનાં આધારે નેપાળ પોલીસનો સંપર્ક કરી મદદ મેળવી તેનું ઘર શોધી કાઢ્યું. પરિવારજનો યુવાન જનક ને તેડવા ભુજ સુધી આવી પહોંચ્યા. ભાઇ રાજકુમાર તેનાં ભાઇ જનકને ભેટી પડ્યો. સૌની આંખોમાં આંસુની ધારાઓ વહી. આખરે યુવાન । પોતાનાં ઘર નેપાળ સુધી પહોંચ્યો છે.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પંકજ કુરૂવા, જયેશ લાલન, દિલીપ લોડાયા, વાલજી કોલી, વિજય શાહ સહભાગી બન્યા હતા