બિહારનાં યુવાનનું ૨૨ વર્ષે પરિવાર સાથે થયું મિલન પિતા-પુત્રનું પ્રથમ વખત થયું મિલન… પતિના વિયોગમાં પત્ની મૃત્યુ પામી

બિહાર નાં સેખપુરા જીલ્લાના અફરડી ગામનો યુવાન સોહન કારૂ ચોધરી ૨૨ વર્ષ પહેલા ગુમ થયો હતો, તેને એક મોટી દીકરી છે. જયારે પુત્ર માતાનાં પેટમાં હતો ત્યારે પિતા ગુમ થયેલા. પિતાનાં ઘર છોડ્યા પછી માતાનાં કુખે પુત્રનો જન્મ થયો. પતિનાં ગુમ થવાથી પત્ની ખૂબ જ દુઃખી હતી. ટેન્શનમાં જીંદગી જીવતી પત્ની પતિનાં વિયોગમાં પુત્ર ૮ વર્ષનો હતો ત્યારે મૃત્યુ પામી. બંને ભાઇ-બહેન માતા-પિતા વિહોણા બની ગયા. કાકા પરિવારજનો તેમની મદદે આવ્યા અને માતા-પિતા વિહોણા સંતાનોને ઉછેરવા લાગ્યા. વર્ષોનાં વર્ષો વીતી રહ્યા હતા. દીકરીનાં લગ્ન પણ થઇ ગયા.

ગુમ થયેલો સોહન છેલ્લા ૨૨ વર્ષથી જુદા-જુદા રાજ્યોમાં રખડતો-ભટકતો રહ્યો હતો. ભારતનાં અનેક રાજ્યોનાં અનેક શહેરો-ગામોમાં તેણે ખૂબ જ દુઃખ વેઠવા. કયાંક ભૂખ્યા રહેવું પડતું… તો કયાંક તેને લોકો સૂવા પણ નહોતા દેતા. મુશ્કેલી ભરી જિંદગી વિતાવતો રહ્યો. આખરે તે ૧૪-૭-૨૨ ના ભુજનાં નવા બસ સ્ટેશન બહારે દેખાયો હતો. જાગૃત લોકોએ માનવજ્યોતને જાણ કરી. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ જઇ ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલનાં મનોચિકિત્સક ડોકટરશ્રી પાસેથી સારવાર કરાવતાં તે બહુ જલ્દી સ્વસ્થ બન્યો હતો. તેની પાસેથી મળેલી માહિતીનાં આધારે આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ બિહાર પોલીસને જાણકારી મોકલી. ૨૨ વર્ષનાં વાયરા વીતી જતાં ઘર શોધવું કઠીન બન્યું હતું. પોલીસે ૧૫ દિવસે આખરે તેનો પરિવાર શોપી કાઢ્યો. વોટસઅપથી સોહનનો ફોટો મોકલવામાં આવ્યો. દીકરો કહે હું ઓળખતો નથી. આખરે કાકાની મદદ લેવી પડી. કાકાને ફોટો બતાવતાં જ તેમણે કહ્યું આ મારો મોટો ભાઇ છે. તારો પિતા છે. પુત્ર રામેશ્વર ખુશ-ખુશાલ બની ગયો. ૨૧ વર્ષીય પુત્ર તુરત જ ભુજ આવવા ટ્રેનમાં બેઠો. આખરે ભુજ આવી શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો. પુત્ર પિતાને કયારે પણ જોવા નહતા. પિતાએ ઘર છોડ્યું ત્યારે પુત્ર માતાનાં પેટમાં હતો આજે પુત્ર રામેશ્વર એક સારી કૉ. માં કામ કરે છે.

પિતા-પુત્રનું ૨૨ વર્ષે મિલન વતાં જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. બંનેની આંખો આંસુથી ભીંજાઇ હતી. અને એકબીજાને ભેટી પડ્યા હતા. આખરે સોહન ૨૨ વર્ષ પછી પોતાનાં ઘરે પહોચ્યો છે. દીકરા-દીકરી સાથે ફેર મિલન થયું છે. ૪૩ વર્ષનો થઇ ચુકેલો સોહન ઘરે પોચતાં જ સમગ્ર ગામવાસીઓએ ઉત્સવ મનાવ્યો હતો. જેમાં ગામનાં સરપંચ સહિતનાં લોકો જોડાયા હતા. ત્યાંનાં સરપંચ સંજયકુમાર વર્માએ માનવજ્યોત સંસ્થાને બે પાનાંનો પત્ર વોટસઅપ થી પાઠવી ગ્રામજનો વતી આભાર વ્યક્ત કર્યો હતો.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રિતુબેન વર્મા, આનંદ રાયસોની, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, કનૈયાલાલ અબોટી, પંકજ કુરૂવા, જયેશ લાલન, વાલજી કૌલી, દિલીપ લોડાવા, રફીક બાવા, દિપેશ શાહ, માવજીભાઈ આહિર સહભાગી બન્યા હતા.