ઉત્તરપ્રદેશનાં મુરાદાબાદ જીલ્લાનાં સંબલ તાલુકાનાં પવાંસા ગામનો અશોક ઉ.વ. ૪૦ છેલ્લા બે વર્ષથી ગુમ હતો. અનેક રાજ્યોમાં તે રખડતો ભટકતો રહ્યો હતો. પગમાં શ્વાને બટકું ભરતા તે પગે ચાલી સુખપરનાં કોઇક ડોકટરશ્રી પાસેથી દવા ગોળીઓ લીધી હતી. આંખોમાં આંસુ, શરીરમાં પીડા સાથે તે સુખપર રેલ્વે ફાટક પાસે પહોંચ્યો હતો. માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા હિતેશ ગોસ્વામીએ તેને સંસ્થાનાં વાહનમાં બેસવા ખૂબજ સમજાવ્યો છતાં તેણે બેસવાની ના પાડતાં તેને ટીંગાટોળી કરી સંસ્થાનાં વાહનમાં બેસાડવામાં આવ્યો. અશોકને ખૂબ જ ચિંતા થઇ કે મને વાહનમાં કયાં લઇ જાય છે. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-મધ્ય લઇ આવી તુરત જ સારવાર શરૂ કરી દેવામાં આવી. માત્ર ૧૦ દિવસની અંદર આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મુરાદાબાદમાં તેનું ઘર શોધતાં તેનો ભાઇ મુનેશ તથા પુત્ર સુમિત ભુજ આવી પહોંચ્યા હતા. પરિવારજનો સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આખરે તે ઘરે પહોંચ્યો છે. પત્ની-બાળકોએ ખુશી અનુભવી છે. માનવતાનાં આ કાર્યમાં આનંદ રાયસોની, દીપેશ શાહ, પ્રતાપ ઠકકર, સહદેવસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી સહભાગી બન્યા હતા.

