ઓરિસ્સા રાજ્યનાં બોઉધ જિલ્લાનાં કુરનાપલ્લી ગામનાં ૩૩ વર્ષિય યુવાન જગત દત્તા ૧૨ વર્ષ પહેલા અચાનક ગુમ થયો હતો. પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી અને તેને શોધવા પાછળ ૪ લાખ ખર્ચો કરી નાખ્યો પણ તેની કોઇ ભાળ નમળતાં પરિવારજનો ખૂબ નિરાશ થયા હતા. પત્ની-બે બાળકો અને બે દિકરી ધરાવતા પિતાને શોધવા પરિવારજનોએ રાત-દિવસ એક કર્યા હતા.
અનેક રાજ્યોમાંથી રખડતો ભટકતો માતાનામઢ સુધી પહોંચ્યો હતો. માનવજ્યોત સંસ્થા ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માને તે માતાનામઢ પાસેથી મળી આવ્યો હતો. પ્રબોધ મુનવરે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રાખી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલનાં મનોચિકિત્સક ડોકટર શ્રી પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો હતો. રીતુબેન વર્માએ તેની પાસેથી મળેલ માહિતીનાં આધારે ઓરિસ્સા પોલીસનાં સહકારી તેનું ઘર શોધી કાઢ્યું હતું. પરિવારજનોને જગત મળ્યાનાં સમાચાર મળતાં જ પત્ની બાળકો ખુશીમાં નાચી ઝુમી ઉઠ્યા હતા અને વિડીયોકોલથી જગતની ઓળખવિધિ કરાવી હતી. જગતની ઉંમર આજે ૪૫ વર્ષની થઇ ચૂકી છે.
પરિવારજનો પૂરી-ગાંધીધામ ટ્રેન મારફતે ગાંધીધામ પહોંચી બસ મારફતે ભુજ પહોંચ્યા હતા. ભુજ આવી માનવજ્યોત આશ્રમે પહોંચ્યા હતા. બે-પુત્રો તથા ગામનાં સરપંચ જગતને મળ્યા ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જગતે બધાને ઓળખી કાઢ્યા હતા. દરેકની આંખોમાં આંસુ હતા. પણ લાંબા સમય પછી મિલનની અનેક ઘણી ખુશી હતી. આખરે જગત ૧૨ વર્ષ પછી તેનાં ઘર સુધી પહોંચ્યો છે. પરિવારજનો સાથે ફેરમિલન થતાં બધાજ ખૂબ જ ખુશ થયા હતા.
માનવતાનાં આ કાર્યમાં રીતુબેન વર્મા, પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, વાલજી કોલી, હિતેશ ગોસ્વામી, અમૃત ડાભી સહભાગી બન્યા હતા.

