માનવજ્યોત દ્વારા દરરોજ ૩૦૦ લીટર છાશ વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા હરતા ફરતા નિઃશુલ્ક છાશ કેન્દ્રનો ભુજનાં કબીર મંદિરેથી પ્રારંભ કરાયો હતો. દરરોજ ૩૦૦ લીટર છાશ વિતરણ કરાશે.

ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં જરૂરતમંદ શ્રમજીવીકોને પીવા છાશ મળે તેવા ઉદ્દેશ સાથે માનવજયોત સંસ્થા ભુજ દ્વારા હરતું-ફરતું છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ છાશ કેન્દ્ર દ્વારા ગરીબોની આંતરડી ઠારવાનું કાર્ય કરાશે.

ભુજ કબીર મંદિરનાં મહંત પ.પૂ. કિશોરદાસજી સાહેબ, જ્ઞાન દર્શન આશ્રમ નખત્રાણાનાં ભક્તિ માતાજી, પ્રેરણા માતાજી, ભુજ ક્બીર મંદિરનાં ભારતીબેન, નીલેશભાઇ શુકલ, જેઠાભાઇ ભોજાણી, ચંદુભાઇ ભોજાણીએ ઉપસ્થિત રહી માનવતાનાં આ કાર્યને બિરદાવી છાશ વિતરણ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો.

છાશ કેન્દ્રનાં પ્રથમ મહિનાંનો લાભ એક સગૃહસ્થ પરિવારે જય જલારામ, જય દરિયાલાલનાં આશિર્વાદથી લીધો હતો. જયારે બીજા મહિનાંનો લાભ એક સદ્-ગૃહસ્થ દાતાશ્રીએ જય સ્વામિનારાયણ, જય શ્રી રાધે કૃષ્ણનાં આશિર્વાદથી લીધો હતો.

ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા ગરીબો તથા શ્રમજીવીકોને સતત ૩ મહિના સુધી બરફ નમક-જીરા-વાળી ઠંડી છાશ નિઃશુલ્ક પીવડાવવામાં આવશે.

વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, કનૈયાલાલ અબોટીએ સંભાળી હતી.