નલીયામાંથી મળેલ માનસિક દિવ્યાંગ ૧૫ વર્ષ પછી ઘરે પહોંચ્યો દિપાવલી પર્વ પોતાનાં પરિવાર સાથે મનાવશે.

ઉત્તરપ્રદેશનાં પ્રતાપગઢ જીલ્લાનાં સાંગીપુર તાલુકાનાં મુરેની ગામનો ૪૫ વર્ષિય કેદારમુરેની વર્મા ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પત્નીનું અવસાન થતાં આઘાતથી તેણે માનસિક સમતુલા ગુમાવી હતી, અને ભારતનાં જુદા-જુદા રાજ્યોમાં તે રખડતો-ભટકતો રહ્યો હતો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સિનીયર પેરાલીગલ વોલીટીયર પ્રબોધ મુનવરને માત્ર ૧ મહિનાં પહેલાં તે નલીયાથી મળ્યો હતો. નલીયાનો પણ તે થોડા દિવસનો મહેમાન બન્યો. અને ચકરા પાસે ચાની હોટલને તેણે આશ્રય સ્થાન બનાવ્યું હતું. ત્યારે તેની ઉંમર ૬૦વર્ષ થઇ ચૂકી હતી. નલીયાથી તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા કચ્છ મધ્યે લઇ આવવામાં આવેલ.

ભુજ માનસિક આરોગ્યની હોસ્પીટલનાં ડો. જે.વી. પાટનકરની સારવારથી તે સ્વસ્થ બન્યો હતો. સંસ્થાનાં સામાજિક કાર્યકર બાબુલાલ જેપા૨ે ઉત્તરપ્રદેશ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર -પરિવાર શોધી કાઢવા.

ઘર છોડ્યું ત્યારે બંને બાળકો ૮ અને ૧૦ વર્ષનાં હતા. જેથી ૧૫ વર્ષનાં વાયરા વિત્યા પછી મળેલ વ્યક્તિ તેમનાં પિતા છે કે નહીં તેની ખાત્રી કરવા માનવજ્યોત ભુજથી તેમનો ફોટો મંગાવી ગામલોકો તથા સંબંધીઓને બતાવી ઓળખની ખાત્રી મેળવી, બંને પુત્રો ભુજ આવવા નીકળ્યા હતા.

ભુજ આવ્યા પછી પિતા -પુત્રોનું ૧૫ વર્ષ પછી થયેલા મિલને એક-બાજુ હર્ષ અને બીજી બાજુ દુઃખનાં આંસુ સાર્યા. સૌની આંખો આંસુથી ભિંજાઇ. કચ્છ યુનિર્વસીટી મધ્યે યોજાયેલ પાન ઇન્ડીયા લીગલ અવરનેશ કાર્યક્રમમાં જસ્ટીસશ્રીઓની ઉપસ્થિતિમાં વર્માને તેનાં પુત્રોને સુપ્રત કરાયો હતો.પુત્રો રામમનોહર અને રામપ્રકાશે ખુશી અનુભવી ડી.એસ.એલ. તથા માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો. આખરે ૧૫ વર્ષ પછી તે પોતાનાં ઘરે પહોંચ્યો છે. બંને પુત્રો પરણિત છે. અને એમનાં ઘરે બાળકો છે ત્યારે આ વૃદ્ધ અવસ્થામાં પહોંચેલ વર્મા આખરે પોતાનાં પરિવાર સુધી પહોંચ્યો છે. આખરે તે દિવાળી પર્વ પોતાનાં પરિવારજનો સાથે મનાવશે.

માનવતાનાં આ કાર્યમાં રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, વાલજી કોલીએ સહકાર આપ્યો હતો.