માનવજ્યોત દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો ભુજ – મીરઝાપર – નારાણપરમાં ૫૦૦ ચકલીઘર વિતરણ કરાયા

કોટી વૃક્ષ અભિયાન બીદડા, માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયા નારાણપર તથા ગીતાબેન દલાલ લંડન નાં સહયોગથી ભુજ – મીરઝાપર – નારાણપરમાં ૫૦૦ માટીનાં ચકલીઘર વિતરણ કરાયા હતા. પર્યાવરણને બચાવવા લોકજાગૃતિરૂપે વૃક્ષોનાં તૈયાર રોપા, તુલસીરોપા, કુંડા, ચકલીઘર, ચણથાળી, શ્વાનો માટે અને ગૌમાતાઓ માટે પાણી પીવાની કુંડીઓ તથા કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવેલ. લોકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરી વૃક્ષોનું ઉછેર કરવા, વૃક્ષોનું રક્ષણ કરવા સમજ પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ.

પર્યાવરણ પ્રેમી મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા તથા શ્રી કાંતિસેનભાઇ શ્રોફને આ અવસરે યાદ કરી તેઓશ્રીને અંજલિ આપવામાં આવેલ. કોટી વૃક્ષ અભિયાનના શ્રી એલ.ડી. શાહની વર્ષોથી ચાલી રહેલી વૃક્ષારોપણ પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવેલ.

સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, રફીક બાવા, દિપેશ શાહ, મુળજીભાઇ ઠક્કર, જેરામભાઇ સુતાર, નિતિન ઠક્કરે વ્યવસ્થા સંભાળી હતી.