કોરોના સંક્ટમાં પણ ભુજમાં દરરોજ ૧૦૦ વૃદ્ધોને ઘેર બેઠા ટિફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડાય છે

શ્રી જલારામ ચેરી-ટેબલ ટ્રસ્ટ દાદરની પ્રેરણાથી શ્રી રામદેવ સેવાશ્રમપાલારા તથા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા એકલા અટુલા-નિરાધાર વૃદ્ધોને દરરોજ બપોરે ઘેર બેઠાં ટીફીન પહોંચાડવામાં આવે છે. જેનું કોઈ નથી. બીજા ઉપર પરાધીન છે…બિમાર છે.. પથારી ઉપર છે… ચાલી શકતા નથી. ઘરથી બહાર નીકળી શકતા નથી એવા ૧૦૦ વૃદ્ધોનાં ઘેર જઈ ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડાય છે. માનવ-જ્યોતનું વાહન દરરોજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં આવા વૃદ્ધોનાં ઘરે પહોંચે છે. અને તેમને ટીફીન આપી આવે છે. જેનું આગળ પાછળ કોઈ નથી તેવા વૃદ્ધો ટીફીનમાં આવેલી રસોઈ જમી ખુશી અનુભવે છે. માનવજ્યોતનું વાહન સવારે ૯ વાગે ટીફીનો પહોંચાડવાનું કાર્ય શરૂ કરે છે. બપોરે બે વાગ્યા સુધી આ કાર્ય ચાલે છે. ભુજ શહેરમાં અત્યારે ૧૦૦ વૃદ્ધો ઘેર બેઠાં ભોજન જમી રહ્યા છે. વિવિધ દાતાશ્રીઓના સહયોગથી આવા વૃદ્ધોને મિષ્ટાન તથા ફરસાણ પણ આપવામાં આવે છે. કોરોના કાળમાં પણ આ સેવા અવિરત ચાલુ રહી છે. 

સંસ્થાના શ્રી પ્રબોધ મુનવર તથા શ્રી સુરેશભાઈ માહેશ્વરીના જણાવ્યા મુજબ એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધોને ઘેરબેઠાં ટીફીપહોંચાડાય છે. ૧૦૦ વૃદ્ધો ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં વસે છે. દરરોજ ભુજ શહેરની ચારે દિશાઓમાં ૧૦૦ ઘરે માનવજ્યોત સંસ્થા ટીફીન પહોંચાડે છે. છેલ્લા ૧૨ વર્ષથી શ્રવણ ટીફીન સેવા ચાલુ છે. આ રસોઇ શ્રી રામદેવ સેવાશ્રમ-પાલારા મધ્યે તૈયાર કરવામાં આવે છે. ત્યારે બાદ ટીફીન દ્વારા નિરાધાર વૃદ્ધ વડીલોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. દાતાશ્રીઓ એક દિવસની તીથી તથા આજીવન તિથીનો લાભ લઇ રહ્યા છે. 

આ પ્રવૃત્તિ માટે દાતાશ્રીઓના સહયોગથી ટાટા મેજીક વાહન મળેલ છે. (૧) માતુશ્રી મુલબાઈ મીઠુભાઈ માવજી ગડા, ગામ રાયધણજર-કચ્છ. (૨) સ્વ. ચેતન સુરેશભાઈ પ્રાગજી માહેશ્વરી-ભુજ (૩) સ્વ. કુંજલતાબેન ગુણવંતરાય હાથી -અંજાર-કચ્છ (૪) શ્રી શાંતિલાલ કાનજી ગડા (રવિ ટુર) મુંબઈ ગામ મોટા-આસંબિયા-કચ્છ. 

દર પૂનમના કબીર મંદિર ભુજ દ્વારા આ વૃદ્ધોને ભાવતા ભોજનીયા ટીફીન દ્વારા આપવામાં આવે છે. એકાદશી વ્રત ધારી વૃદ્ધોને દર અગીયારસના ટીફીન શ્રી પૃથ્વીરાજસિંહ આર. જાડેજા પરિવાર (પરજાઉ) હાલે ભુજ તરફથી આપવામાં આવે છે. જે રસોઇ પોતાના ઘરે તૈયાર કરીને પહોંચાડે છે. આ કાર્યમાં સહયોગ આપવા ઇચ્છતા દાતાશ્રીઓએ ફોન : ૦૨૮૩૨-૨૨૪૦૦૦ અથવા મો. ૯૯૧૩૦૨૯૮૦૦ નો સંપર્ક કરવા જણાવાયું છે.