ભુજ શહેર વાણિયાવાડ ડેલા મધ્યે આવેલ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની ૪૧૪ મી વર્ષગાંઠ પ પૂ. મુનિરાજ શ્રી આર્યરત્નસાગરજી મ. સા., પ.પૂ. સા. શ્રી કીર્તિલતાશ્રીજી મ. સા.પૂ. સા.શ્રી સૌમ્યતાશ્રીજી મ. સા., પૂ. સા. શ્રી ઋજુપ્રજ્ઞાશ્રીજી મ. સા.ની શુભ પાવન નિશ્રામાં ધાર્મિક આરાધનાઓ અને શાસ્ત્રોક્ત વિધિવિધાનો સાથે ઉજવાઈ હતી. આ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ ઉજવાયો હતો. પ્રથમ દિવસે પંચકલ્યાણ પૂજા, બીજા દિવસે અઢાર અભિષેક યોજાયા હતા.
ત્રીજા દિવસે સત્તર ભેદી પૂજા બાદ વિજય મુહુર્તે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય શિખરે ધ્વજારોહણ ભાવિકોની વિશાળ ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. વિધિવિધાન તથા ગીત-સંગીતની રમઝટ શ્રી ચન્દ્રકાન્ત દેઢીયા એન્ડ પાર્ટી બીદડાએ ભારે રમઝટ સાથે જમાવી સૌ ભક્તજનોને પ્રભુભક્તિમાં તરબોડ કર્યા હતા.
આ અવસરે વર્ધમાનનગરના રહેવાસી અને સંયમમાર્ગે જનાર દીક્ષાર્થી પૂજાબેનની અનુમોદના કરવામાં આવેલ. આરતીનો લાભ અભય ખુશાલ પરિવાર, મંગલદીવાનો લાભ હંસાબેન હસમુખલાલ ઝવેરી પરિવાર તથા શાંતિકળશનો લાભ જડાવબેન અમૃતલાલ રાઘવજી વોરા પરિવારે લીધેલ. બપોરે સાધર્મિક વાત્સલ્ય શ્રી જૈન ગુર્જરવાડી મધ્યે યોજાયું હતું.
ત્રિદિવસીય મહોત્સવનો લાભ નરેન્દ્રભાઈ મનસુખલાલ પારેખ, માતુશ્રી લીલાવંતીબેન બાબુલાલ જાદવજી ઘીવાલા પરિવાર, જડાવબેન અમૃતલાલ વોરા સુહાગ પરિવાર તથા સરલાબેન મોરારજી મેઘજી વોરા પરિવારે લીધેલ હતો.
ત્રિદિવસીય મહોત્સવને સફળ બનાવવા ભુજ અચલગચ્છ જૈન સંઘ અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ ડી. શાહ, ભરત બાબુલાલ શાહ, પી.સી. શાહ, હર્ષદભાઈ બી. શાહ, રાજેશ સી. શાહ, રમેશભાઈ એમ. શાહ, ભરતભાઈ સી. શાહ, દીપકભાઈ એન. શાહ, જખુભાઈ વોરા તથા સંઘના સર્વે ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવેલ.

