પરિવારજનો સાથે થયું ફેર મિલન
ભુજની માનવજ્યોત સંસ્થા વર્ષોથી ઘરથી વિખુટા પડી ગયેલા માનસિક દિવ્યાંગોનાં રાજ્ય, શહેર, ગામ પરિવાર શોધી આપી તેમનો પરિવારજનો સાથે ફેરમિલન કરાવવાનું કાર્ય કરે છે. જેનાં થકી અત્યાર સુધીમાં 2350 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો પોતાનાં પરિવાર સુધી પહોંચ્યા છે. અને પરિવારજનોએ તેમને હોંશે હોંશે વધાવ્યા છે.
ગુજરાતની વિવિધ શહેરોની માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો, મંદબુદ્ધિ ભાઇ-બહેનોને સાચવતી સંસ્થાઓનાં માનસિક દિવ્યાંગોને ભુજ સુધી લઇ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળે આશ્રય આપી તેમને દરેક વ્યવસ્થાઓ પૂરી પાડી છે.
ગુજરાતનાં બાયડ, સોમનાથ, મહુવા, પાલીતાણા, મોરબી, સૂરત, રાપર સેવાશ્રમોનાં 400 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ભુજ લઇ આવી તેમને પણ ઘર પરિવાર સુધી પહોંચતા કર્યા છે. માનવતાના આ કાર્યમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-ભુજનું માર્ગદર્શન મળતું રહ્યું છે. તેમજ દરેક રાજ્યની પોલીસ મદદરુપ બને છે.
રાજ્ય અને રાષ્ટ્ર લેવલે ગુમ થયેલા 254 બાળકો, 471 વૃદ્ધ વડીલો, 625 યુવતીઓ મહિલાઓ તથા 2350 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો મળી ટોટલ 3700 લોકોને ઘર શોધી અપાયા છે.
દર વર્ષે રખડતી ભટકતી, મુંગી અને માનસિક દિવ્યાંગ બે અથવા ત્રણ મહિલાઓ પ્રેગ્નેટ હાલતમાં મળે છે. અને પરિવારજનો ન મળે ત્યારે પણ માનવજ્યોત સંસ્થા દ્વારા પોલીસ અને કાનૂની માર્ગદર્શન મેળવી તેઓની પ્રસુતિ સરળતાથી થાય એવા પ્રયત્નો હાથ ધરાય છે.
21 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો 25 વર્ષે, ત્રણ માનસિક દિવ્યાંગો 30 અને 35 વર્ષે ઘરે પહોંચ્યા. આમ બેચેન બનેલા પરિવારજનો ફરી હોંશમાં આવ્યા છે. ઘરે પહોંચેલા માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોનું પુર્નવસન થયું છે. તેમને પણ પરિવારની હુંફ અને લાગણી મળી છે.
માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, રીતુબેન વર્મા, શંભુભાઇ જોષી, રફીક બાવા સહભાગી બન્યા હતા.

