૩૦ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરી શરદપૂનમપર્વની અનોખી ઉજવણી કરાઇ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ૩૦વિધવા મહિલાઓને સિવણ મશીન તથા દરેકને રૂપિયા બે હજારની રાશનકીટ એક સગૃહસ્થ દાતાશ્રીનાં સહયોગથી અર્પણ કરી શરદપૂનમપર્વની અનોખી ઉજવણી કરાઇ હતી.

કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ગોવિંદભાઇ ભુડિયાએ જયારે અતિથિવિશેષ પદ અમૃતબેન ભુડિયા તથા નનીતાબેન કેરાઇએ શોભાવ્યું હતું.

પ્રારંભે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનીયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરે સૌને મીઠો આવકાર આપતાં જણાવ્યું હતું કે, વિધવા અને છૂટાછેડા થયેલા બહેનો ઘેર બેસી સિવણ મશીન દ્વારા સીલાઇનું કામકરી પોતાનું ગુજરાન ચલાવી શકે તેમજ સમાજમાં સ્વમાન સાથે ગૌરવભેર જીવન જીવી શકે તેવા ઉદ્દેશ અને દાતાશ્રીની અંતરની ભાવનાઓથી આ સિવણ મશીન મહિલાઓને અર્પણ કરાયા છે.

સંસ્થાના ઉપપ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા, મંત્રી સુરેશભાઇ માહેશ્વરી તથા સહદેવસિંહ જાડેજાએ એક સગૃહસ્થ દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી મહિલાઓને પગભર કરવાની પ્રવૃત્તિને આવકારી હતી.

૩૦ વિધવા બહેનોને દાતાશ્રી પરિવારનાં ગોંવિદભાઇ ભુડિયા, અમૃતબેન ભુડિયા તથા નનીતાબેન કેરાઇનાં હસ્તે સિલાઇ મશીનો અર્પણ કરાયા હતા. દાતા પરિવારનું સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવેલ. સિલાઇ મશીન લાભાર્થી બહેનોએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમને સીલાઇ મશીન તથા રાશનકીટ મળી છે. અમે ઘેર બેસી સીલાઇ કામકરી અમારૂં ગુજરાન ચલાવી શકશું.

કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રબોધ મુનવરે જયારે આભારદર્શન શંભુભાઇ જોષીએ કરેલ. વ્યવસ્થામાં રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, મુળજીભાઇ ઠક્કર, કરશનભાઇ ભાનુશાલી, જેરામસુતાર, ભુપેન્દ્ર બાબરીયા, મીનાબેન ભાનુશાલી, આરતીબેન જોષી, ઇલાબેન વૈશ્નવ તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો.