કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડયા પાથર્યા રહેતા, જેનું અહીં કોઈ સગું-સાવકું નથી તેવા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ, શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે લઈ આવી, તેની દરેક વ્યવસ્થાઓ કરી, તેને સારી સારવાર આપી, તેનું ઘર શોધી આપી, ઘર સુધી પહોંચાડવાનું કાર્ય માનવજ્યોત સંસ્થા દ્વારા ઘણાં વર્ષોથી કરવામાં આવે છે. છેલ્લા ૩ વર્ષમાં માનવજ્યોત સંસ્થાએ ૪00 માનસિકદિવ્યાંગોને ઘર સુધી પહોંચાડી દીધા છે. છેલ્લા ૧૭ વર્ષમાં માનવજ્યોત સંસ્થાએ ૯૭પ માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડતા કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડયા પાથર્યા રહેતા એકલા-અટુલા-નિરાધાર માનસિક દિવ્યાંગોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે.
ચાલુ સપ્તાહ દરમ્યાન ૧૬ માનસિક દિવ્યાંગો પોતાનાં વતન તરફ પ્રયાણ કરશે. જેમાં ૧૪ યુવાનો અને બે મહિલાઓ છે. ભુજથી શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત સુધી પહોંચાડાશે. ત્યાંથી શ્રદ્ધા રીહાબીલીટેશન ફાઉન્ડેશન તેઓને તેમનાં ઘર સુધી પહોંચાડશે.
વેસ્ટ બંગાલના-૪, ઝારખંડનો-૧, ઓરિસ્સાનો-૧, આંધ્ર પ્રદેશનાં-૩, ઉત્તરપ્રદેશનાં-૩, મધ્યપ્રદેશનો-૧, કર્ણાટકનો-૧, મહારાષ્ટ્રનાં-ર મળી જુદા-જુદા રાજ્યોનાં ૧૬ માનસિક દિવ્યાંગો વર્ષો પછી પોતાના ઘર સુધી પહોંચશે. પરિવારજનો સાથે ફેર મિલન થશે.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદભાઈ ઠક્કર, રમેશભાઈ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, આનંદ રાયસોની, મુરજીભાઈ ઠક્કર, દિપેશ શાહ, પ્રવિણ ભદ્રા, ભુપેન્દ્ર બાબરીયા તથા સર્વે કાર્યકરોની ટીમ માનવતાનાં આ કાર્યમાં સહયોગ આપી રહી છે.

