લગ્નોની વધી પડેલી રસોઇમાંથી દશ હજાર ગરીબો પેટ ભરીને જમ્યા

<p>ભુજ અને ભુજ વિસ્તારમાં લગ્નની મોસમ પુર બહાર ખીલી છે. છેલ્લા ચાર દિવસમાં વધી પડેલી રસોઇમાંથી ૧૦ હજાર ગરીબો ભરપેટ જમ્યા છે. અને લગ્નની ઉજવણી ભૂંગા-ઝુંપડામાં રહીને માણી છે.</p>
<p>માધાપર, નારાણપર, મેઘપર, સુખપર, માનકુવા, મીરઝાપર, મોમાયમોરા, સુમરાસર તેમજ ભુજની રાજગોર સમાજવાડી, આશાપુરા પાર્ટી પ્લોટ, બાપા શ્રીનો વંડો, દશનામ ગોસ્વામી વાડી, લોહાણા સમાજવાડી તથા ભુજની અન્ય સમાજવાડીઓમાં લગ્ન તથા અન્ય પ્રસંગોની વધી પડેલી રસોઇ માનવજ્યોત સંસ્થાએ એકઠી કરી ઝુંપડા અને ભૂંગામાં રહેતા લોકો સુધી પહોંચાડતા ૪ દિવસમાં ૧૦ હજારથી વધુ ગરીબો ભરપેટ જમ્યા હતા. અન્નનો ખોટો બગાડ અટકયો હતો. અને ગરીબોના જઠરાગ્નિ ઠર્યા હતા.</p>
<p>વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, હિતેશ ગોસ્વામી, રાજુ જાગી, મહેશ મારાજ, રસીક જાગી, નરેશ ટાપરીયાએ સંભાળી હતી. ગરીબોએ સારૂં અને સ્વચ્છ ભોજન જમી નવદંપતિઓને અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા.</p>